ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટ મહાપાલિકાની એનિમલ હોસ્ટેલના અવેડા માખી, મચ્છર, જીવાતો, લીલ અને શેવાળથી ખદબદતા હોય તેમજ ઢોરડબ્બામાં અને હોસ્ટેલમાં હાલ ૪૩ ડિગ્રી તાપમાનમાં પણ ગાયો માટે છાંયડાની કોઈ વ્યવસ્થા ન હોય આ અંગેના અહેવાલો બહાર આવતાંની સાથે જ માલધારીઓ વિફર્યા હતા અને આજે સવારે એનિમલ હોસ્ટેલના અવેડાની અંદર ધરણા પર બેસી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વધુમાં માલધારી આગેવાનોના જણાવ્યા મુજબ આજે સવારે રણજીત મુંધવા, કરણ ગમારા, ભીખાભાઈ પડસારીયા, રાજુ જુંજા સહિતના માલધારી આગેવાનો એનિમલ હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા અને ત્યાં આગળ ગાયો માટે પીવાના પાણીની, છાંયડાની અને લીલા તેમજ સુકા ઘાસચારાની કોઈ જ વ્યવસ્થા નહીં હોવાનું માલૂમ પડતાં ગંદકીથી ખદબદતાં અવેડાની અંદર જ ધરણા પર બેસી ગયા હતા અને યાં સુધી યોગ્ય વ્યવસ્થા ન કરાવાય ત્યાં સુધી ધરણા પરથી ઉઠશે નહીં તેવી જાહેરાત કરતાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ તાત્કાલિક અસરથી તમામ એનિમલ હોસ્ટેલના સંકુલની સફાઈ તેમજ અવેડાની સફાઈ કરાવી હતી અને અવેડામાં શુદ્ધ નર્મદા નીર ભરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ નિયમિત આ પ્રકારની વ્યવસ્થા ગાયો માટે પૂરી પાડવામાં નહીં આવે તો આંદોલન કરાશે તેવી ચિમકી અપાઈ હતી.


0 Comments:
Post a Comment