રાજકોટ મહાપાલિકામાં સફાઈ કામદારોની ભરતી કરવાની માગણી સાથે સેન્ટ્રલ ઝોન કચેરીના દરવાજે આગેવાનો પ્રતિક ઉપવાસ આંદોલન

રાજકોટ (રિપોર્ટર) ભરત ભરડવા :
                                   રાજકોટ મહાપાલિકામાં સેટઅપ મુજબ સફાઈ કામદારોની ભરતી કરવાની માગણી સાથે સેન્ટ્રલ ઝોન કચેરીના દરવાજે આગેવાનો પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. ત્રિ-દિવસીય ઉપવાસ આંદોલનના આજે બીજા દિવસે સફાઈ કામદારોએ ઢોલ-નગારા વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ સ્ટેન્ડિગ કમિટી ચેરમેનને ભરતી કરવા માટે રજૂઆત કરી હતી. દરમિયાન જો ઉપવાસ આંદોલનને ગંભીરતાથી લેવામાં નહી આવે તો આગામી તા.15ને શુક્રવારથી સમગ્ર શહેરમાં સફાઈ કામદારોની હડતાલનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.વધુમાં મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના દરવાજે અખિલ વાલ્મીકિ સમાજ સફાઈ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયનના નેજા હેઠળ ઉપવાસ પર બેઠેલા આગેવાનોએ જણાવ્યું હતું કેપૂજ્ય ચીમનાજી બાપુના અધ્યક્ષસ્થાને સફાઈ કામદારોના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે મહાપાલિકા કચેરીના દરવાજે ત્રણ દિવસીય ઉપવાસ આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે જેનો આજે બીજો દિવસ છે. મુખ્યત્વે સફાઈ કામદારોની ભરતીના પ્રશ્ને  આંદોલન છેડવામાં આવ્યું છે. રાજકોટ મહાપાલિકા કચેરીમાં છેલ્લા 25 વર્ષમાં એક પણ સફાઈ કામદારની ભરતી કરવામાં આવી નથી અને અત્યાર સુધી સફાઈ કર્મચારીની ભરતી બાબતનો બેકલોગ (સેટઅપ) મેઈન્ટેન કરવામાં આવેલ નથી તેવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કેવારંવાર મહાપાલિકાના અધિકારીઆે અને પદાધિકારીઆે દ્વારા માત્ર ખાતરીની લોલીપોપ આપવામાં આવી રહી છે. ક્યારેય ભરતી કરાતી નથી આથી હવે હડતાલ જ એકમાત્ર વિકલ્પ રહ્યાે હોય આગામી તા.15 ફેબ્રુઆરીને શુક્રવારથી સમગ્ર શહેરના સફાઈ કામદારોએ માસ સીએલ પર જવાનું નક્કી કર્યું છે આથી સમગ્ર શહેરમાં સફાઈ કામગીરી ઠપ થઈ જશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કેઆજે સફાઈ કામદારો અને યુનિયન લીડરો તેમજ સમાજના આગેવાનો દ્વારા એક-એક રૂપિયો ભેગો કરીને મહાપાલિકા તંત્રને અનુદાન પેટે આપવામાં આવ્યો હતો જ્યારે આવતીકાલે તા.14ના રોજ સફાઈ કામદારોનું શોષણ થતું હોવાની વેદના વ્યક્ત કરવાના પ્રતીકરૂપે કમિશનરને સફાઈ કામદારોનું લોહી એકત્રિત કરીને બોટલમાં ભરીને આપવામાં આવશે ! ત્યારબાદ પણ જો કોઈ સંતોષકારક જવાબ નહી મળે તો તા.15ને શુક્રવારે સમગ્ર રાજકોટ શહેરના તમામ કાયમી સફાઈ કામદારો અને કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતાં સફાઈ કામદારો સહિતના કુલ 4500 સફાઈ કામદારો સામૂહિક રજા મુકીને સમગ્ર શહેરની સફાઈ કામગીરી ઠપ્પ કરી દેશે. તદ્ઉપરાંત તે જ દિવસે સવારે 10 કલાકે પૂ.ચિમનાજીબાપુની આગેવાનીમાં હોસ્પિટલ ચોક ખાતે પૂ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થઈને તેમને ફુલહાર અર્પણ કરી રેલી સ્વરૂપે જ્યુબેલી બાગ ખાતે પહાેંચી ત્યાં આગળ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે અને ત્યાંથી રેલી સ્વરૂપે મહાપાલિકા કચેરીએ પહાેંચી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ત્રણ દિવસનું ઉપવાસ આંદોલન અને વિવિધ કાર્યક્રમો બાદ પણ તંત્ર નહી જાગે તો અંતે નાછૂટકે આત્મવિલોપન કરવા ફરજ પડશે તેમજ જવાબદાર અધિકારીઆેને કોર્ટમાં ઢસડી જવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment