ભ્રષ્ટાચાર,એન્કાઉન્ટર અને રાજદ્રોહ લગાવવા સહિતના બધા કામમાં ગુજરાત પ્રથમ જ હોય છે : હાર્દિક

અમદાવાદ,
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે અમદવાદ ખાતે દલિત નેતા અને ધારાસભ્ય જિજ્ઞનેશ મેવાણીના ઘરે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેની સાથે જ મીડિયા સાથે વાતચીત કરતાં બંને યુવા નેતાઓએ સવર્ણોને આપવામાં આવેલા ૧૦ ટકા અનામતથી લઈને આગામી ચૂંટણીને લઈને ભાજપનો પતંગ કાપવાની વાત પણ કરી હતી.
આ પ્રસંગે વડગામના અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. તેમજ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ‘સાહેબ’નો પતંગ કપાશે તેમ જણાવ્યું હતું. સાથે જ મેવાણીએ એમ પણ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં અમારો પતંગ સારો ચગી રહ્યો છે, દિલ્હીમાં પણ ચગશે કે નહીં એ તો સમય જ બતાવશે.
ગુજરાત દેશમાં સવર્ણ અનામતનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યુ કે, ‘બધા કામમાં ગુજરાત પહેલું જ હોય છે, ભ્રષ્ટાચારમાં પણ પહેલું, એન્કાઉન્ટર કરવામાં પહેલું, રાજદ્રોહ લગાવવામાં પહેલું, ઈબીસી લગાવવામાં પણ પહેલું હોય છે. હાલ આ મુદ્દે સુપ્રીમમાં પડતર હોવાથી સુપ્રીમનો ચુકાદો હકારાત્મક આવશે તો અમે સરકારના નિર્ણયનું સ્વાગત કરીશું.’
મેવાણીએ ૨૦૧૯માં સાહેબનો પતંગ કાપવાની વાત કર્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચીનના મિત્રો હશે તે તમામનો પતંગ દેશી દોરી કાપશે. હાર્દિકે વધુમાં જણાવ્યુ કે, ‘અમે ખેડૂતોની વિરૂદ્ધ હોય તેનો પતંગ કાપવા માટૈ તૈયાર છીએ. અમારો જે માંઝો છે એ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારીને કાપવા માટે છે. અમે કોઈના વિરૂદ્ધમાં નથી પરંતુ સત્તાના વિરોધી એ માટે છીએ કારણ કે તેમણે લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે.’ સર્વણ અનામત પર હાર્દિકે કહ્યું કે ‘આ પહેલાં આનંદીબેન સરકારે પણ ૧૦ ટકા ઈબીસીનો અમલ કર્યો હતો. હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પડતર છે, સુપ્રીમના આખરી નિર્ણય બાદ અમે સ્વાગત કે ઇન્કાર કરીશું તે જણાવીશું. સરકાર આ કામ ત્રણ વર્ષ પહેલાં કરવું જોઈતું હતું. તેમણે ઇમાનદારી સાથે આ કામ કરવું હોય તો પહેલા સંવિધાનમાં સંશોધન કરવું જરૂરી હતી. સરકાર આવું કરીને સવર્ણોના મત લેવા માંગે છે. આ એક જૂમલો છે, કમળનું ફૂલ દર વખતે જૂમલો રજૂ કરે છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment