ચીફ બ્યુરો : ભરત ભરડવા (રાજકોટ)
રાજકોટ નજીક કોઠારીયા રોડ ખોખડદળ નદીના પુલ નજીક શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ન્યુ રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ઓફિસમાં CCTV કેમેરાના DVRમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. તેમાંથી તીખારો ખરી પડતાં નીચે સેનિટાઇઝર રાખ્યું હતું તેમાં આગ ભભૂકી ઉઠતા કારખાનેદાર અશ્વિનભાઇ મગનભાઇ પાનસુરીયા (ઉ.વ.33)નું દાઝી જતા મોત નીપજ્યું હતું. શહેરના વિવેકાનંદનગર-14માં રહેતાં અશ્વિનભાઇ મગનભાઇ પાનસુરીયા શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ નામના પોતાના કારખાનામાં ઉપરના ભાગે બનાવેલી ઓફિસમાં ગઇકાલે સાંજે બેઠા હતા. ત્યારે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે બાજુના કારખાનવાળા તથા બીજા લોકો દોડી આવ્યા હતા અને 108ને બોલાવી અશ્વિનભાઇને હોસ્પિટલે ખસેડ્યા હતાં. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ અશ્વિનભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતા. તેનું મૂળ વતન કાલાવડનું ટોડા ગામ છે. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. લોકડાઉન ખુલ્યા પછી મજૂરો ન હોય હાલમાં કારખાનુ ખોલવા ખાતર અશ્વિનભાઇ ખોલતા હતા અને થોડા કલાકો બેસી પરત ઘરે આવી જતા હતા. ગઇકાલે CCTV કેમેરા બંધ હોય DVR ચેક કરતાં હતા તે વખતે અચાનક શોર્ટ સર્કીટ થતા તણખા ઉડવા સાથે ભડકો થયો હતો. નીચે સેનિટાઇઝરનું ડબલુ ભરીને રાખ્યું હોય તેના કારણે આગ વધુ પ્રસરી ગઇ હતી અને અશ્વિનભાઇ લપેટમાં આવી ગયા હતા.
0 Comments:
Post a Comment