ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓને ધડાધડ સજાઓ ફટકારવામાં આવે છે અને મુળ પરીક્ષા રદ કરવા અને આગામી 1થી માંડી 10 પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. જે તે પરીક્ષાનું પરિણામ રદ કરાયા બાદ વધારાની આગામી પરીક્ષાઓ રદ કરવાના અમલવારીના નામે મોટું મીંડુ છે તેવી ફરિયાદ ગઈકાલે મળેલી એકઝામિનેશન ડિસીપ્લીનરી કમિટીની બેઠકમાં સભ્યોએ કરી હતી. જે વિદ્યાર્થીને કોપીકેસમાં સજા થઈ છે તેને પોતાની કોલેજમાં કે અન્ય કોઈ કોલેજમાં કે એકસ્ટર્નલ અભ્યાસક્રમમાં પ્રવેશ આપી શકાતો નથી તેવી જાહેરાત પણ કરવામાં આવે છે. આ નિર્ણયના અનુસંધાને દરેક કોલેજને વિદ્યાર્થીના નામ સહિતની વિગતો પણ મોકલવામાં આવે છે પરંતુ આમ છતાં સંખ્યાબંધ કિસ્સાઓમાં વિદ્યાર્થીઓએ અન્ય કોલેજોમાં અને એકસ્ટર્નલ તરીકે પ્રવેશ મેળવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા તેનો પડઘો ગઈકાલની એકઝામિનેશન ડિસીપ્લીનરી કમિટી (ઈડીસી)ની બેઠકમાં પડયો હતો. કમિટીના સભ્યો અને સિન્ડિકેટ સભ્યો ડો.ગિરીશભાઈ ભીમાણી અને ડો.ધરમભાઈ કાંબલિયાએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીને સજા થાય છે તેઓ એકસ્ટર્નલ અભ્યાસક્રમમાં અને અન્ય યુનિવર્સિટીઓમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. આવું ન બને તે માટે પરીક્ષા વિભાગના એન્ડ્રોલમેન્ટના કોમ્પ્યુટર સોફટવેરમાં અપગ્રેડેશન કરવાનું જરી બન્યું છે. ભીમાણી અને કાંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા સંબંધી ગેરરીતિ અને ગેરવર્તણૂક સાથે જે સજા નિયત કરવામાં આવેલ છે તેમાં મહત્તમ કે ન્યૂનત્તમ બાબતની સ્પષ્ટતા નથી તેથી સજાને ન્યૂનત્તમ ગણવી જોઈએ. સજાના સમયગાળા દરમિયાન યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા આવે ત્યારે તેમાં ઈડીસીએ કરેલી સજાનો ઉલ્લેખ કરીને માઈગ્રેશન સર્ટિફિકેટ આપવું જોઈએ. ઈડીસીની આ બેઠકમાં ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, પ્રવીણસિંહ ચૌહાણ, ધરમભાઈ કાંબલિયા, પ્રફુલ્લાબેન રાવલ, વિમલભાઈ પરમાર, ગિરીશભાઈ ભીમાણી, અનિધ્ધસિંહ પઢિયાર અને લિગલ વિભાગના નાયબ કુલ સચિવ જી.કે. જોશી ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments:
Post a Comment