રિપોર્ટર (વડોદરા) : સુભાષ
આદર્શ ચૂંટણી આચાર સંહિતાના ભંગની પ્રથમ ફરિયાદ આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી પત્રિકામાં બાલાકોટ ઉપર એરફોર્સ વિંગ દ્વારા કરવામાં એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પત્રિકામાં બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તા ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાંજ આચાર સંહિતા શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં તા.23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, વડોદરા દ્વારા બહાર પાડવામાં આવેલી ચૂંટણી પ્રચાર પત્રિકામાં બાલાકોટની એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તે પત્રિકા વડોદરા લોકસભા મત વિસ્તારમાં ફરતી કરવામાં આવી છે. જે આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. જે માટે શહેર ભાજપા પ્રમુખ તેમજ કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.આચાર સંહિતા ભંગ કરનાર સામે કાર્યવાહી થશે: મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ દ્વારા ભાજપા વિરૂધ્ધ આદર્શ ચૂંટણી આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદની તપાસ કર્યા બાદ, આચાર સંહિતાનો ભંગ કરનાર સામે ચૂંટણીના નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

0 Comments:
Post a Comment