પત્રકાર હત્યા કૅસ ગુરમિત રામ રહીમને આજીવન કેદ

ચંડીગઢ: પત્રકાર રામચંદ્ર છત્રપતિની 2002માં કરાયેલી હત્યાના સંબંધમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમ સહિત ચાર જણને જનમટીપ અને દંડ કરાયા હતા.
પત્રકાર રામચંદ્ર છત્રપતિ પર 2002ની 24મી ઑક્ટોબરે ગોળીબાર કરાયો હતો અને તેમાં ઘાયલ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું. ગુરમિત રામ રહીમ સામે 2003માં કૅસ નોંધાયો હતો. સૅન્ટ્રલ બ્યૂરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન (સીબીઆઇ)એ 2006માં કૅસ પોતાના હાથમાં લીધો હતો અને 2007માં તહોમતનામું નોંધાવ્યું હતું. હરિયાણામાંની ખાસ સીબીઆઇ અદાલતે ડેરા સચ્ચા સૌદાના વડાને હત્યાના કૅસમાં જનમટીપ ફરમાવી છે, પરંતુ તેઓ અગાઉથી બે બળાત્કારના કૅસમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.
    રામચંદ્ર છત્રપતિ ‘પૂરા સચ’ નામનું અખબાર ચલાવતા હતા અને તેમણે હરિયાણાના સિરસામાંના આશ્રમમાં છોકરીઓ તેમ જ મહિલાઓની કરાતી જાતીય સતામણીના શ્રેણીબદ્ધ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. આ પ્રકરણમાં તેમના પર ગોળી છોડાઇ હતી. હરિયાણાના પંચકુલાની અદાલતે ગુરુવારે ચુકાદો આપ્યો હતો.
હત્યા કૅસના અન્ય ત્રણ દોષી - કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણલાલને પણ જનમટીપ ફરમાવાઇ હતી. અદાલતે દરેકને રૂપિયા પચાસ હજારનો દંડ પણ કર્યો હતો.
ચારે ગુનેગાર ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 120બી (ગુનાઇત ષડ્યંત્ર) હેઠળ દોષી ઠેરવાયા હતા.ગુરમિત રામ રહીમ રોહતાકમાંની સુનરિયા જેલમાંથી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા અદાલત સમક્ષ હાજર થયા હતા.હત્યા કૅસના અન્ય ત્રણ દોષી - નિર્મલ સિંહ, કુલદીપ સિંહ અને કૃષ્ણલાલ અંબાલા જેલમાંથી અદાલત સમક્ષ હાજર થયા હતા.
હરિયાણાના સિરસામાં આ પત્રકારની હત્યા કરાઇ તે પહેલાં તેને આ શહેરમાં જ આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા મથકમાં ગુરમિત રામ રહીમ દ્વારા મહિલાઓ પર જાતીય અત્યાચાર કરાતો હોવાનો આક્ષેપ કરતો અનામી પત્ર મળ્યો હતો અને તેને પગલે સંબંધિત અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment