એજન્સી, નવી દિલ્હી
કેન્દ્ર સરકાર સાથે કેટલાય મહિનાથી ચાલી રહેલા મતભેદ અને ટકરાવ વચ્ચે ડો.ઉર્જિત પટેલે રિઝર્વ બેન્ક(આરબીઆઈ)ના ગર્વનર પદેથી રાજીનામું આપી દીધું છે. એ આરબીઆઈના 24મા ગર્વનર હતા. તેમણે 4 ડિસેમ્બર, 2016ના રોજ પદભાર સંભાળ્યો હતો. એમનો કાર્યકાળ ઓગસ્ટ 2019 સુધીનો હતો.
ઉર્જિત પટેલ પહેલાં સપ્ટેમ્બર 2016 સુધી રઘુરામ રાજન આરબીઆઈના ગર્વનર હતા. અહીં નોંધવા જેવી બાબત એ છે કે રઘુરામ રાજનને પણ કેન્દ્ર સરકાર સાથે તકરાર થયાના અહેવાલો પ્રગટ થયા હતા. જૂન-2016માં રાજને કહ્યું હતું કે હું બીજી વખત આરબીઆઈનો ગર્વનર બનવા ઈચ્છતો નથી. હવે ઉર્જિત પટેલના રાજીનામાં પાછળ અંગત કારણોનો હવાલો આપવામાં આવ્યો છે. જોકે, ઉર્જિત પટેલનું રાજીનામું અચાનક પડ્યું નથી. આ પાછળ કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચેની લાંબો સંઘર્ષ કારણભૂત છે.
એમાં એક કારણ એ છે કે આરબીઆઈ પર સરકારે દબાણ વધારવાની કોશિશ કરી હતી. ત્યારે પ્રથમ વખત ઉર્જિત પટેલ સરકાર વિરુદ્ધ આવી ગયા હતા. 26મી ઓક્ટોબર 2018ની આ ઘટનાને સરકાર વિરુદ્ધ આરબીઆઈ વિવાદની શરુઆત કહી શકાય. રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે મુંબઈમાં દેશના મોટા ઉદ્યોગપતિઓના એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, રિઝર્વ બેંકની સ્વાયત્તા કમજોર કરવી એ ત્રાસદી સમાન છે. જે સરકાર રિઝર્વ બેંકની સ્વાયત્તાની અવગણના કરે છે, એને નુકસાન ભોગવવું પડે છે. 30 ઓક્ટોબર 2018ના રોજ ઓલ ઈન્ડિયા રિઝર્વ બેંક એમ્પલોઈઝ એસોસિયેશને વિરલ આચાર્યના નિવેદનનું સમર્થન કરતાં કહ્યું કે, દેશની કેન્દ્રીય બેંકને કમજોર કરવાની કોશિશનો વિરોધ કરવામાં આવશે.આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ઉર્જિત પટેલ આરબીઆઈને વડાપ્રધાન મોદીથી બચાવતા જોવા મળ્યા એ બાબત સુખદ છે. કેન્દ્રની સરકાર અને આરબીઆઈની વચ્ચેનો મોટો વિવાદ એ વાત પર હતો કે આરબીઆઈ એ 12 બેંકોને ઈન્ટેન્ટ એક્શનની કેટેગરીમાં નાંખી દીધી હતી. એનાથી આ બેંકો પર નવી લોન આપવી, નવી બ્રાન્ચ ખોલી અને ડિવિડન્ડ આપવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો હતો. આરબીઆઈ દ્વારા વ્યાજ દર ન ઘટાડવાના કારણે સરકાર નાખુશ હતી. રિઝર્વ બેંક એને પોતાનો સર્વાધિકાર માને છે, જેના કારણે સરકાર સાથે તનાતની થઈ હતી. ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે કહ્યું હતું કે, બેંકોની બેલેન્સ શીટ વધુ બગડે નહીં,એટલે માટે રોક જરૂરી છે. આ સાથે સરકાર દ્વારા રિઝર્વ બેંકનો કેશ રિઝર્વનો કેટલોક હિસ્સો લેવા મામલે અસહમતી હતી. આ ઉપરાંત આરબીઆઈના બોર્ડ સભ્ય નચિકેત મોરને કાર્યકાળ ખતમ થવાના બે વર્ષ પહેલાં હટાવાયા હતા, જેના કારણે આરબીઆઈના ઉચ્ચ અધિકારીઓમાં નારાજગી હતી. નચિકેત મોરને હટાવવાની સત્તાવાર જાણકારી પણ આપવામાં આવી હતી. 30 ઓક્ટોબર 2018ના રોજ વિરલ આચાર્યના નિવેદનના એક સપ્તાહ બાદ નાણાંપ્રધાન અરુણ જેટલીએ દેશની બેંકના એનપીએ માટે રિઝર્વ બેંકને જવાબદાર ઠેરવી હતી. 31 ઓક્ટોબરે જેટલીના નિવેદન બાદ એવી અફવા ફેલાઈ હતી કે હવે ઉર્જિત પટેલ આરબીઆઈના ગર્વનર પદેથી રાજીનામું આપી શકે છે. આ ઉપરાંત આ જ દિવસે એટલે કે 31 ઓક્ટોબરે આરબીઆઈ બોર્ડ સભ્ય એસ.ગુરુમૂર્તિએ વિરલ આચાર્યના નિવેદન અંગે ગવર્નર ઉર્જિત પટેલને ફરિયાદ કરી હતી. ગુરુમૂર્તિએ કહ્યું હતું કે, આચાર્ય એ આવા મુદ્દા પર સાર્વજનિક નિવેદન આપવું જોઈએ નહીં. આરબીઆઈની આઝાદીનો અર્થ બોર્ડની આઝાદી છે, વ્યક્તિઓની આઝાદી નહીં.
0 Comments:
Post a Comment