વડોદરા : કોરોનાની મહામારીમાં સ્કૂલોએ ફીની ઉઘરાણી શરૂ કરતા શાળા સંચાલકો સામે વાલીઓમાં ભારે રોષ, ફી માફીની માંગ કરી

રિપોર્ટર : સુભાષ મિશ્રા (વડોદરા)
કોરોના વાઈરસની મહામારીમાં માનવતા નેવે મુકીને વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહેલા શાળા સંચાલકો સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વાલીઓ દ્વારા સ્કૂલો FRC મુજબ ફી વસુલ કરે અને કોવિડ-19ના પગલે ફી માફ કરવા માંગણી કરવામાં આવી છે.કોરોના વાઈરસની મહામારીના પગલે સ્કૂલો હજી ક્યારે ચાલુ થાય તે નક્કી નથી. ગુજરાત સરકાર દ્વારા પણ જૂલાઇ માસમાં સ્કૂલો ક્યારે ચાલુ કરવી તે અંગે નિર્ણય લેનાર છે, ત્યારે વડોદરાની મોટા ભાગની સ્કૂલો દ્વારા વાલીઓને ફોન કરીને ફીની ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી છે. વાલીઓ દ્વારા ફીની વ્યવસ્થા ન હોવાનું કારણ રજૂ કરે છે, ત્યારે સ્કૂલોમાંથી વિદ્યાર્થીને LC આપી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.વાલીઓની મદદે આવેલા પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વિજ જોષી દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દ્વારા ઓનલાઇન કોન્ફરન્સ કરીને વિગતો મેળવી હતી. પૂર્વ વિદ્યાર્થી નેતાએ જણાવ્યું કે, સ્કૂલોની ફી માફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરતા ખચકાઇશું નહીં. બે દિવસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારીને પણ આ બાબતે આવેદનપત્ર આપીને ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમ છતાં વિવિધ સ્કૂલો દ્વારા વાલીઓને ફોન કરીને ફી માટે ફોન કરવામાં આવી રહ્યા છે.નિલેશભાઇ પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના પગલે બે માસથી કોઇ આવક આવી નથી. બીજી બાજુ સ્કૂલો દ્વારા ફી માટે ફોન કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં જો આર્થિક સહાય જાહેર કરતું હોય તો, સ્કૂલોમાં ફી માફી માટે પગલા ભરે. સ્કૂલો દ્વારા FRCના નિયમોને પણ ઘોળીને પી ગયા છે. સ્કૂલો દ્વારા એપ્રિલ-મે માસની વેકેશન ફી માટે અવાર-નવાર ફોન કરવામાં આવી રહ્યા છે. જો સામે કોઇ ફી અંગે વાત કરીએ તો વિદ્યાર્થીને સ્કૂલમાંથી ઉઠાવી લેવાની ચીમકી આપવામાં આવી રહી છે.વડોદરાની બીલ્લાબોંગ સ્કૂલ દ્વારા FRCના નિયમો વિરૂદ્ધ ફી વસુલ કરવામાં આવી રહી હોવાની લેખિત રજૂઆત વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે. આમ છતાં, શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્કૂલ સામે લાચાર હોય તેમ કોઇ પગલા ભરવામાં આવતી નથી. તેજ રીતે ONGC બરોડા હાઇસ્કૂલ દ્વારા પણ વાલીઓને ફોન કરીને એપ્રિલ-મે માસની ફીની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. આજવા રોડ ઉપર આવેલી શ્રી વલ્લભ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થી-વાલીઓને LC લેવાના બહાને બોલાવીને ફીની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment